ડાંગ જિલ્લો | Dang District

 

ઘણાં ઓછા જિલ્લાઓ હશે કે જેને પોતાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ હોય છે. રામાયણના સમયમાં ડાંગને દંડકારણ્ય અથવા દંડક નામે ઓળખવામાં આવતો હતો. એટલે આજે પણ ડાંગી આદિવાસીઓનાં લોકગીતોમાં રામ-સીતાની વાતોને ગુંથી લેવામાં આવેલ છે. અને આજે પણ એક બીજાનું સન્માન "રામ - રામ થી કરે છે. ભલે કોઈપણ અજાણ્યો માણસ હોય, "રામ રામ” થી અપાતો આવકાર એમને ગળગુંથીમાં જ સંસ્કારરૂપે જન્મ લે છે.


પાંડવો પણ ડાંગમાં ફરી ગયા અને રહી ગયા છે. આજે પણ આહવાની નજીક પાંડવા ગામે ગુફા હયાત છે. અને આજ વિસ્તારમાં મૌર્ય, સાન પ્રાસ રાજા, સત્યવાહન રાજા, કાહત્રા અને આભીર રાજાઓ રાજય કરી ગયા અને એના પાડોશી રાજય તરીકે ચાણકય રાજાઓ પણ રાજય કરી ગયા

૧૪મી સદીમાં ડાંગી રાજાઓ મોગલ સમયમાં છુટા પડી પોતે રાજય કરતા હતા, જ્યારે ઈ.સ.૧૬૬૪માં શિવાજી મહારાજે સુરત પર ચઢાઈ કરી ત્યારે અહીં જ તેમનો પડાવ હતો તે આજે લશ્કરી આંબા તરીકે ઓળખાય છે. અને અહીંથી જ સુરતને લુંટવા ગયા હતા. બ્રિટીશ શાસનકાળ દરમ્યાન ડાંગના ભીલ રાજાઓ મરાઠાઓની સાથે રહી બ્રિટીશરોએ જંગલનાં રક્ષણ માટે ભીલ રાજાઓને માન સન્માન આપી સમજાવી દીધા હતા. જેથી ડાંગનું વહીવટી તંત્ર સારી રીતે કામ કરી શકે એ બહાના હેઠળ ડાંગી રાજાઓને બ્રિટીશરોએ પોતાના ગુલામ બનાવી દીધા હતા. ડાંગી ભીલ રાજાઓને સમજાવી ૨કમ નકકી કરીને ડાંગનું જંગલ લીઝ પણ લીધું હતું, અને એમ કરીને ગાયકવાડીમાં અને સુરત તરફ જતા લાકડા અટકાવી દીધા હતા. કારણ કે ડાંગી લાકડું મજબુત અને ટકાઉ હતું, જે લાકડું બ્રિટીશરો મોટા લડાયક વહાણો અને મકાન બાંધકામમાં વાપરતા હતા.

 ઇડિયન ફોરેન જુરીડીકશન એકટ મુજબ ડાંગને ફોરેન ટેરીટરી અને એડમીનીસ્ટ્રેશન હેઠળ બ્રિટીશરો પાછળથી ડાંગનું વહીવટી તંત્ર ક્લેકટર અને પોલીટીકલ એજન્ટ ખાનદેશ પાસેથી લઈને કલેક્ટરશ્રી અને પોલીટીકલ એજન્ટ સુરતને ૮મી ડીસેમ્બર ૧૯૦૨માં જી. આર.આર.ડી. નં. ૬૮૫૭ થી હવાલે મુકવામાં આવ્યું અને મુંબઈ સરકાર હેઠળ ૧૯૦૨માં આખું જંગલ મુકવામાં આવ્યું અને ડાંગનો વહીવટ ચલાવવા માટે સેકન્ડ કલાસ મેજીસ્ટ્રેટના પાવર સામે ડીવીઝન ફોરેસ્ટ ઓફિસર અને પોલીટીકલ એજન્ટને મુકવામાં આવ્યો અને આખા ડાંગનું વહીવટીતંત્ર ૧૯૩૩ થી ૧૯૪૩ સુધી જંગલ ખાતા હસ્તક રહ્યું. નવેમ્બર ૧૯૪૩ થી ૧૪ ઓકટોબર ૧૯૪૭ સુધી સીવીલ વહીવટી માળખું ભારત સરકાર હસ્તક રહ્યું.


ઓગષ્ટ ૧૯૪૭ થી એપ્રિલ ૧૯૬૦માં ડાંગ જિલ્લો મુંબઈ સ્ટેટમાં ભેળવી દેવામાં આવ્યો. ૧૯૪૮માં ડાંગને અલગ જિલ્લા તરીકે કલેકટરશ્રીનાં અધિકાર નીચે મુકવામાં આવ્યો. ૧૯૪૫માં ડાંગના રાજાઓ અને નાયકોના અધિકારોનો સવાલ તેમજ પોલીટીકલ પેન્સન બાંધી આપી ઉકેલવામાં આવ્યો

મે ૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાત જુદા થતા ડાંગનો સમાવેશ ગુજરાતમાં કરવામાં આવ્યો અને આજ પર્વત ચાલુ છે. ડાંગ જિલ્લામાં પાંચ રાજાઓ અને નવ નાયકો છે. ડાંગ જીલ્લામાં આપનું સ્વાગત છે.

સનસેટ પોઈન્ટ-આહવા

આહવાની મુલાકાત લેવાની થાય તો સનસેટ પોઈન્ટ જોવા જેવું છે. આહવાથી દક્ષિણ દિશામાં પેટ્રોલ પંપથી રસ્તો સીધો સનસેટ પોઈન્ટ ઉપર વાહન સાથે ડુંગરની સપાટી ઉપર જઈ શકાય છે. જયાં નાનો સરખો બગીચો તૈયાર કરવામાં આવેલ છે. તેમજ સાઈટ ઉપર રેલીંગ બનાવેલ છે. ત્યાંથી સાંજે પશ્ચિમ દિશામાં સૂર્યને અસ્ત થતો જોવાનું કુદરતી દૃશ્ય જોવાવાળા રસિકો માટે ખૂબ આનંદ માણવાલાયક સ્થળ છે. તે સિવાય ખીણમાં જોવાની મજા આવે છે. ઉનાળાનાં સમય કરતા વરસાદના સમયમાં જયારે જંગલની વૃક્ષો લીલાછમ હોય ત્યારે ખૂબ જ જોવાની મઝા પડે છે.


નળદાના દેવ (બોરખલ)


ધાર્મિક દષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવતું સ્થળ છે. જયાં આદિવાસી પૂજા પોતાનું સુખ દુઃખમાં મદદરૂપ થનાર દેવ તરીકે માને છે. તેઓ બાંધા/માનતા આ દેવનાં નામે રાખે છે. સારા થઈ જતા કે ઘરમાં બરકત થતા બાધા/માનતા છૂટવા ભંડારો કરવા માટે ગામ લોકો સાથે શનિવાર, રવિવાર ઘણા લોકો દર્શન અંર્થે આવે છે. જેની ડાંગી મૌખિક પરંપરાની વિધી કાર્ય પૂર્ણ કરવામાં આવે છે. બોરખલથી પૂર્વ દિશામાં લીગાવાળા રસ્તે ત્રણ- ચાર કિ.મી નદી કિનારે સ્થાન આવેલ છે. જયાં ખૂબ શ્રધ્ધા ભક્તિ ભાવથી લોકો દર્શન અર્થે આવે છે. 

શબરીમાતા પ્રતિષ્ઠાન - સુબીર 

એમ કહેવાય છે કે, રામાયણ સમય દરમિયાન આ વિસ્તાર શબરીવન તરીકે જાણીતો હતો. અને બરડીપાડા વિસ્તાર 'બોરડીનું વન' તરીકે પ્રચલિત હતો. શબરી ભીલડી માતા આ વિસ્તારના રહેવાસી હતાં. આ વિસ્તારના વનવાસીઓ પ્રાચીન કાળથી પોતાને શબરી માતાના વંશજો માને છે. ભગવાન રામચંદ્રને ચાખેલા બોર આપવાવાળી શબરી આજે પણ રામકાલીન સ્મૃતિ જાગૃત કરવા હાજર છે.


વનવાસીઓની આ અતૂટ શ્રદ્ધા અને આસ્થાને કેન્દ્રમાં રાખીને શ્રી શબરીમાતા સેવા સમિતિ દ્વારા સુબીર ખાને શબરીધામ તથા શબરી માતાના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે સ્થળે મંદિરનું નિર્માણ કરાયું છે તે ચમક ડુંગર નામની પહાડી પર આવેલું છે. જ્યાં ત્રણ પથ્થરો હતા. જેના ઉપર રામ-લક્ષ્મણ અને શબરી માતાએ બેસીને ભગવાન રામને બોર ચખાડયા હતા એવી અહીંના લોકોની માન્યતા છે. અહીંના વનવાસીઓ પરાપુર્વથી આ ત્રણ પથ્થરોની પુજા કરતા અને તેના ઉપર અબીલ-ગુલાલ ચઢાવી શ્રધ્ધાથી માથુ ટેકવતા, આ ત્રણ પથ્થરોને યથાવત રાખીને ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ડાંગના વનપ્રદેશમાં વસતા વનવાસીઓ ભગવાન રામ, સીતા તથા રામાયણકાલીન અન્ય વીરોનાં નામ પરથી આજે પણ પોતાના સંતાનોના નામ પાડવામાં ગૌરવ અનુભવે છે. આજે પણ થાળી નામના વાદ્ય પર ડાંગી સમાયણ વગાડવામાં આવે છે. અને રામકથા કરવામાં આવે છે. ભગવાન રામની સ્મૃતિ આ પહાડી અને વનાચ્છાદિત પ્રદેશને પાવન કરે છે.

પંપા સરોવર

અને ૨૦૦૨ માં ઑકટોબર માસમાં શબરી માતાના મંદિરના લાભાર્થે  અહીં મોરારીબાપુની રામકથા યોજાઈ હતી. મોરારીબાપુએ એ વખતે અહીં શબરી માતા મહાકુંભ યોજવાની પ્રેરણા આપી હતી. જેને આયોજકોએ સહર્ષ સ્વીકાર્યો હતો. ભારતભરમાં પ્રાચીન કાળથી ચાર કુંભ યોજાય છે. જેમાં આજ પર્યંત કરોડો - અબજો શ્રધ્ધાળુઓએ સ્નાન કરી ધન્યતા અનુભવી છે. ભારતમાં યોજાતા હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજજૈન, અને નાસિકના કુંભ પછી ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં પાંચમી શ્રી શબરીમાતા મહાકુંભ યોજાઈ ગયો છે.  

આ મહાકુંભ પૂર્ણા નદી પર આવેલા શબરીધામથી ૬ કી.મી. દુર પંપા સરોવર પાસે યોજાયો. પંપા સરોવરનો રામાયણમાં ઉલ્લેખ છે. એવું મનાય છે કે શબરી માતાના ગુરુ માતંગ ઋષિનો આશ્રમ પંપા સરોવરને કિનારે આવેલો હતો. આ પંપા સરોવર વિશે રામાયણમાં એવો ઉલ્લેખ છે કે પંપા સરોવર પુષ્ઠરિણી નદી ઉપર આવેલું છે. પુરાતન કાળમાં  પુષ્ઠરિણી નામથી ઓળખાતી નદી એ જ આજે પૂર્ણા નદી તરીકે ઓળખાય છે. એવી શ્રદ્ધાળુઓની દૃઢ માન્યતા છે.

ગીરાધોધ (ગીરમાળ-સિંગાણા)


ગીરા ધોધનું સૌંદર્ય જોવું હોય તો ચોમાસમાં તમારી મુલાકાત આનંદમય બની રહેશે. આહવાથી સિંગાણા અથવા નવાપુરથી સિંગાણા રોડ ઉપર શિંગાણાથી પશ્ચિમ દિશામાં ૮ કિ.મી.દૂર ગીરમાળ તરીકે ગામ આવેલું છે. તેના નજીકમાં ગીરા નદી ઉપર આ ધોધ આવેલો છે. જયાં ઉંડી ખીણમાં ધોધ પથ્થરની શિલાઓ ઉપરથી નીચે પડે છે. જેની આશરે ઉચાઈ ૭૫ ફૂટ છે. પાણી પડવાથી રજ ઉડે છે. ત્યારે ધુમ્મસવાળું વાતાવરણ બને છે. ઘણી વખતે તેમાં મેધધનુષ પણ દેખાય છે. ત્યારે વાતાવરણ રમણીય બને છે. બે ઘડી મુલાકાતીઓનું મન મોહી લે છે. આ સ્થળે પીકનીક પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે.

બોટોનીકલ ગાર્ડન (વઘઈ)


વન વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયાર કરાયેલ જંગલી વનસ્પતિઓનું મોટું ગાર્ડન છે. જે વધઈથી બે કિ.મી. દૂર આવેલ છે. વઘઈથી સાપુતારા (નાસિક) હાઈવે રોડ પર આવેલ રળિયામણો બગીચો છે. જેમાં જોવાલાયક જંગલી દવાની વનસ્પતિનાં વૃક્ષો છે. તે સિવાય કેકટસનો બગીચો પણ છે.

શિવમંદિર (ચિંચલી)

ડાંગમાં ત્રણ મંદિરો આવેલ છે જે ત્રણે પૂર્ણા નદીના કિનારે છે. આ ત્રણ નાના શિવમંદિરોના સ્થાપત્ય કલાના અવશેષો ખાસ કરીને મધ્યયુગનાં છે. ૧૫મીથી ૧૮મી સદીનાં અરસામાં બનેલ છે. આ મંદિરો માટે હોળકર વંશની રાણી અહલ્યાબાઈ સોમનાથની જાત્રાએ નીકળેલ ત્યારે જયાં તેઓ 

રાતવાસો કરતા ત્યાં શિવમંદિર બનાવવામાં આવતા તે પૈકીનું આ મંદિર છે. આહવાથી ચીંચલી રીડ ઉપર પૂર્ણ નદીના કિનારે આવેલ છે.

મહાલકોટનું જંગલ - મહાલ


ડાંગ જિલ્લાએ સંપૂર્ણ જંગલ વિસ્તાર ધરાવતો પ્રદેશ છે. તે પૈકી આહવાથી સોનગઢ રોડ ઉપર મહાલ ગામ આવેલ છે. તેના આજુબાજુના વિસ્તારમાં ઘનઘોર જંગલ આવેલ છે. જયાં સૂર્યનો પ્રકાશ પણ જમીન સુધી પહોંચી શકતો નથી. દિવસે પણ જંગલમાં અંધારૂ દેખાય તેવો વિસ્તાર છે. ઘણી વખત સુરતનો નેચર કલબવાળા કુદરત પ્રેમી લોકો અહીં જંગલમાં આવી રાત્રી રોકાણ કરે છે.


રૂપગઢનો કિલ્લો (કાલીબેલ)

રૂપગઢનો કિલ્લો ૧૭મી મહીના સમયમાં બનેલો ડાંગ પ્રદેશનો એકમાત્ર ગિરિદુર્ગ સ્થાપત્યની નમુનારૂપ કિલ્લો છે. ઈ.સ. ૧૭૨૧માં સોનગઢ કિલ્લો ગાયકવાડ રાજવંશીઓના સંસ્થાપક પીલાજીરાવ ગાયકવાડે બનાવ્યો  અને સોનગઢ રાજધાનીનું શહેર બનાવ્યું હતું પરંતુ પીલાજીરાવના પુત્ર દામાજીરાવે વડોદરાને રાજધાની તરીકે પસંદ કરેલું. હાલમાં કિલ્લા ઉપર પથ્થર કોતરી કાઢેલ પાણી ટાંકો છે. તેમજ દારૂગોળો અથવા અનાજ રાખવાની કોઠી છે. ઉત્તર દિશામાં ચહેર પાણીનો ઝરો આવેલ છે. તેના નીચે સપાટીમાં હનુમાનજીનું મંદિર આવેલ છે. તેના બાજુમાં તુટેલી અવસ્થામાં તોપ પડેલ છે. કિલ્લા ઉપર જઈ કુદરતી દશ્ય જોવાની મઝા પડે છે. કિલ્લા ઉપર જવા માટે બે રસ્તાઓ છે. કાલીબેલ ગામ તરફથી પોપટબારી ગામમાં વાહન મૂકી 1 કલાકમાં સીધા ઉપર જવાય છે. ઉતરની વખતે ઉત્તર દિશામાં થઈ હનુમાનજીનું દર્શન કરી પરત આવી શકાય છે.

માયાદેવી (ભેંસકાત્રી) 

ભેંસકાત્રી પાસે કાકરદા  કરી એક નાનકડું ગામ દક્ષિણ દિશામાં પૂર્ણા નદી કિનારે આવેલ છે. જ્યાં પૂર્ણા નદીમાં રમણીય માયાદેવીનું સ્થળ આવેલ છે. જે ધાર્મિક રીતે પણ ઘણું જ મહત્વ ધરાવે છે. વરસાદના સમયે પૂર્ણા નદી પથ્થરની બનેલી કુદરતી કેનાલમાં પસાર થાય છે તે જોવા જેવું દૃશ્ય બને છે. આમ ઉપરવાસથી એક નજરથી જોઈએ તો એમ લાગે છે કે અહી સીધી કેનાલમાં જાય છે. આ સ્થળ વ્યારાથી આહવા રોડ ઉપર આવેલ છે.

આહવા ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય લાગતા ડાંગ જિલ્લાનું તેમ જ તાલુકાનું મુખ્યમથક છે. ડાંગ જિલ્લામાં ૧૦૦% આદિવાસીઓ વસવાટ કરે છે, જ્યારે આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસ્તી સૌથી વધુ છે. ગુજરાતનું એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું ગિરિનગર સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે. આહવા,વઘઇ, સુબીર એમ ડાંગ જિલ્લાના ત્રણ તાલુકા  છે. આહવાથી રોડમાર્ગે નવાપુર, બાબુલપાઠ, સોનગઢ, વ્યારા, નાસિક, ચિખલી વગેરે સ્થળોએ જઈ શકાય છે. અહીંના સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ધોધલી ઘાટ, ધોધલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે.



Comments

Popular posts from this blog

India|Gujarat|Dang district| information

Dang (Ahwa) :ડાંગ જિલ્લા પોલીસની SOG શાખા દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક (N.D.P.S.) બાબતે જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું.